કબૂતર અને કોયલ - Short Story In Gujarati
એક હતું ઝાડ. ઝાડની ડાળીઓ બહુ મોટી હતી. તેના પર કબૂતર, કોયલ, મોર વગેરે પંખી બેસે. કબૂતર આખો દિવસ બસ ઘૂ...ધૂ... ધૂ... કર્યા કરે. એને એમ કરવામાં બહુ મજા આવતી હતી. કોયલને કબૂતરનો ઘૂ...ઘૂ... અવાજ બિલકુલ ગમતો નહોતો. કોયલને પોતાનું કુહુ કુહૂ. જ બહુ ગમતું. પોતાના મીઠા અવાજનું એને અભિમાન પણ હતું.
કબૂતરનું ધૂ...સાંભળી કોયલ ખૂબ કંટાળી ગઈ હતી. છેવટે એક વખત કોયલે કબૂતરને કહ્યું. કુહૂ... કુહૂ... બોલ. કોયલે કેટલુંય કહ્યું, સમજાવ્યું પણ કબૂતર તો પોતાની જ મસ્તીમાં મસ્ત હતું. એણે તો પોતાનું ધૂ... ધૂ... ગીત જ ચાલુ રાખ્યું.
એ જ વખતે ત્યાં મોર આવી પહોંચ્યો. કોયલે આખી કહાણી મોરને કહી સંભળાવી. મોરને થયું, લાવ હુંય શિખામણ આપું. મોર બોલ્યો ટેહું... ટેહું... બોલ. મોરે પણ કબૂતરને ઘૂ...ધૂ...ધૂ...ને બદલે ટેંહુ... ટેંહુ...કરવા કહ્યું પણ કબૂતર એટલે કબૂતર! તે કોઈનું માને ખરું?
આખરે મોર થાકયો. એણે વિચાર્યું કે, થોડી કળા કરી લઉં. પછી એને ફરીથી સમજાવીશ. એટલામાં જંગલના રાજા સિંહની ત્રાડ સંભળાઈ.
કોયલે ડરતાં ડરતાં આખી વાત કહી. એ સાંભળી થયું કે, કબૂતરે મારી વાત તો માનવી જ પડશે. એમણેય કબૂતરને કહ્યું, આજથી તારે મારી જેમ ત્રાડ પાડવાની.
કબૂતરે સિંહનીય વાત માની નહીં. સિંહને બરાબરનો ગુસ્સો આવ્યો. તેણે કબૂતરને જંગલમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો.
પછી કબૂતરે સિંહને કહ્યું કે, આપ ત્રણમાંથી કોઈ મારી જેમ ધૂ....ધૂ...ધૂ... કરી બતાવો. જો એમ થાય તો હું જંગલ છોડી દેવા તૈયાર છું.
સિંહે કોયલને કહ્યું, કોયલ, તું કબૂતરની જેમ બોલી બતાવ.
કોયલથી કબૂતરની જેમ ઘૂ...ધૂ...ઘૂ... . થઈ શક્યું નહીં. મોર કે સિંહ પણ એમ કરી શકયાં નહીં. હવે એ બધાંને પોતાની ભૂલ સમજાઈ ગઈ કે, દરેકને પોતાનો આગવો અવાજ હોય છે.