સ્વચ્છતા નું મહત્વ - Short Moral Story In Gujarati

Admin
0
short moral story in gujarati, ટૂંકી બોધકથા, moral story in gujarati

સ્વચ્છતા નું મહત્વ - Short Moral Story In Gujarati

ચાર્મી અને નિહાર બંને ભાઈબહેન. નિહાર નાનો અને તોફાની જ્યારે ચાર્મી મોટી અને સિનિસિયર હતી. ચાર્મી નિહારને સાચવી લેતી એટલે રમણભાઈ અને રમીલાબહેનને ચિંતા નહોતી. નિહાર સામાન્ય ધમાલ કરે તો ચાર્મી તેને ટોકતી નહીં, પરંતુ જ્યારે તેનાં તોફાનો વધી જાય ત્યારે ચાર્મી ગુસ્સે થતી. હતી. તેમનાં મમ્મી-પપ્પા પણ નિહારને જરૂર લાગે ત્યાં બોલતાં હતાં.

નિહારને કચરો ગમે ત્યાં નાંખવાની ટેવ હતી. કાગળ હોય કે રૅપર તે કચરાપેટીમાં નાંખવાને બદલે ગમે ત્યાં નાંખી દેતો. એક વખત રમણભાઈ અને રમીલાબહેન બાળકોને લઇને ફરવા નીકળ્યાં હતાં. રસ્તામાં ભૂખ અને તરસ લાગે એટલે બાળકો માટે નાસ્તો અને પાણીની બોટલ તેમણે લઇ રાખી હતી. નિહારને ભૂખ લાગી એટલે નાસ્તો કરીને તેનાં રૅપર કારની બારીમાંથી બહાર નાંખ્યાં. થોડી વાર પછી ચોકલેટ ખાધી તો તેનું રેપર પણ તેણે બારીમાંથી બહાર નાંખી દીધું. ચાર્મી અને રમીલાબહેને આ રીતે કચરો બહાર નહીં નાંખવા માટે ટકોર કરી. આ પહેલાં પણ નિહારને અવારનવાર આ રીતે ટોકવામાં આવ્યો હતો પરંતુ તે આંખ આડા કાન કરતો હતો.

એક દિવસ નિહાર તેના મિત્રો સાથે ઘરમાં રમતો હતો ત્યારે રમણભાઇએ કહ્યું, આજે હું તમને પર્યાવરણની વાર્તા સંભળાવીશ. 

પર્યાવરણમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એ તમને ખબર છે? મિત્રોએ જવાબ આપ્યો, હવા, પાણી, જમીન, વૃક્ષો-છોડ, જીવજંતુ વગેરે. રમણભાઈએ કહ્યું, આ પર્યાવરણે આપણને ઘણુંબધું આપ્યું છે. સામે કંઈ આપવાને બદલે આપણે તેમને જાણતાં અજાણતાં નુકસાન કરી રહ્યાં છીએ. જરૂર કરતાં વધુ પાણી વાપરીને આપણે તેનો વ્યય કરી રહ્યાં છીએ. એવી જ રીતે કચરો ગમે ત્યાં નાંખીને હવાને નુકસાન પહોંચાડી રહ્યાં છીએ. કચરો હવામાં દુર્ગંધ ફેલાવે છે. એનાથી રોગકારક જીવજંતુઓને નિમંત્રણ મળે છે પરિણામે રોગ ફેલાય છે. ભીનો કચરો સડે છે, કોહવાય છે અને માખીઓનું ઉત્પાદન સ્થાન બની જાય છે. પ્રવાહી કચરો ખાબોચિયાંમાં મચ્છરોનું ઉત્પત્તિસ્થાન બની જાય છે. જેનો યોગ્ય નિકાલ ન થાય તો કચરો આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. કેટલોક સૂકો કચરો વિઘટિત થઇ જમીનમાં ભળી શકતો નથી. નિકાલ ન કરીએ તો જ્યાં પડ્યો હોય ત્યાં લાંબા સમય સુધી એમનો એમ જ પડી રહે છે. તેના ઉપર પડેલો બીજો કચરો પણ વિઘટિત થઈ સહેલાઇથી નાશ પામતો નથી અને સતત પ્રદૂષણ ફેલાવે છે. 

પ્લાસ્ટિકનાં ઝભલાં જમીનમાં ઓગળીને માટીમાં ભળી જતાં નથી. તેના પર પડેલો કચરો પણ જમીન પર જેમ છે તેમ પડ્યો રહે છે અને જમીનને બિનઉપજાઉ બનાવે છે. આવું ન થાય એટલે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ન કરવો જોઇએ. ભીના કચરા અને સૂકા કચરાને અલગ ડોલમાં નાંખવો જોઇએ, જેથી ભીના કચરામાંથી ખાતર અને સૂકો કચરો રિસાઇકલ થઇ શકે અને પર્યાવરણને થતું નુકસાન બચાવી શકાય. નિહારને પોતાની ભૂલ સમજાઇ ગઇ. તેણે અને તેના મિત્રોએ નક્કી કર્યું કે હવે અમે કચરો કચરાપેટીમાં જ નાંખીશું અને સ્વચ્છતા જાળવીશું.

Thanks For Reading ♥️

Post a Comment

0Comments

Post a Comment (0)