શહેરની વચ્ચોવચ એક બગીચો હતો. એમાં જુદા જુદા રંગનાં ગુલાબ, મોગરો, ચંપો વગેરે ફૂલછોડ હતાં. બગીચાના કિનારે લીમડાનું ઝાડ હતું. લીમડાની ડાળી પર એક કાચિંડો રહેતો હતો. તે રંગે ભૂખરો ને દેખાવે બેડોળ હતો. લાલ રંગના ગુલાબ સાથે તેને પાક્કી દોસ્તી હતી. નવરો પડે એટલે તે લાલ ગુલાબ પાસે પહોંચી જતો. બંને ભેગા મળી વાતોનાં વડાં કરતાં.
ઉનાળાનો દિવસ હતો. સૂરજદાદા ઊનો ઊનો તડકો વેરી રહ્યા હતા. લીમડાનો છાંયો લાલ ગુલાબને અને કાચિંડાને ઠંડક આપતો હતો. બંને વાતોમાં મશગૂલ હતાં. લીમડા પર એક કોયલ પણ રહેતી હતી. એ આ બંનેની વાતો સાંભળતી હતી. એનેય લીમડો વહાલો હતો.
કોયલ તો ટહુકો કરી લીમડાનો આભાર માનતી હતી. પણ એના ટહુકાએ લાલ ગુલાબનું મન મોહી લીધું હતું. કાચિંડાને એ ન ગમ્યું. કાચિંડો કદરૂપો હતો । એનું એને દુઃખ હતું. કોઈ બીજાનાં રૂપ-રંગ કે ગુણનાં વખાણ એને ગમતાં નહીં. લાલ ગુલાબની વાત સાંભળી એનું મોં બગડી ગયું.
કાચિંડો મનોમન ખૂબ ખિજાયો. ગુલાબ કેવું નસીબદાર! લાલ, પીળો, સફેદ, કાળો કેટલા બધા રંગના ગુલાબ! કોયલ કાળી તોય રૂપાળી! મારી પાસે જ કોઈ સારો રંગ નહીં?
કાચિંડો લીમડા પર જતો રહ્યો. મોં લટકાવી એક ડાળી પર બેસી ગયો. એ જોઈ લીમડાને દુઃખ થયું. તેણે કાચિંડાને મદદ કરવાનું નક્કી કર્યું. લીમડાએ કાચિંડાને પૂછ્યુ કેમ ઉદાશ છે? કાચિંડાએ કહ્યું તો શું કરું?
એટલું કહેતાં તો કાચિંડો રડી પડ્યો. પછી તેને પૂરી વાત લીમડાને કહી. લીમડાએ તેણે શાંત પાડ્યો. પછી, તેને એક લીંબોળી આપી. લીમડાએ તેને સમજાવ્યું કે, આ ખાસ લીંબોળી છે. તે ગળવાથી તેની એક ઇચ્છા પૂરી થશે. આ સાંભળી કાચિંડાએ લીંબોળી ગળી લીધી.
કચિંડાની ઈચ્છા હતી કે તે જ્યારે ચાહે ત્યારે પોતાનો રંગ બદલી શકે.
કાચિંડાની ઇચ્છા પૂરી થઈ. એ દિવસથી કાચિંડો ચાહે ત્યારે પોતાનો રંગ બદલી શકે છે. એ જોઈ લાલ ગુલાબ પણ રાજી થયું. પછી બંને ‘કલર...કલર’ રમત રમવા લાગ્યાં.