મધુમાખ્ખી નો હુમલો - ગુજરાતી બાળ વાર્તા - Gujarati Kids Story

Admin
0
ગુજરાતી બાળ વાર્તા - Gujrati Kids Story

મધુમાખ્ખી નો હુમલો - ગુજરાતી બાળ વાર્તા - Gujrati Kids Story

એક સુંદર સવારે શૌન એન ઘરની બહાર ગાર્ડનમાં ઊભું ઊભું તડકામાં શરીરને શેકતું હતું. વહેલી સવારનો હળવો તડકો હતો એટલે એમાં ઊભા રહેવાની ખૂબ મજા આવી રહી હતી. એણે પોતાના મિત્રોને પણ બહાર બોલાવી લીધા. મિત્રો બહાર આવ્યા એટલે બધાં શીપ ગાર્ડનમાં આમથી તેમ ટહેલવા લાગ્યા, ટહેલતાં ટહેલતા શૌનની ઉપરથી એક ભમરી પસાર થઇ. કોણ જાણે કેમ પણ શૌનને મજાક સૂઝી અને એણે ભમરીને એક જ ઝટકાથી પોતાના એક હાથ વડે પકડી લીધી. શૌનના હાથમાંથી છૂટવા ભમરી આમથી તેમ તરફડિયાં મારી રહી હતી. થોડી વાર એને પકડીને શૌને હાથ ખોલી નાખ્યો. ભમરી ડરીને ઊડી ગઇ. તેને ઊડતી જોઈ શૌનને હસવું આવ્યું. 

ભમરી ડરી તો ગઈ જ હતી પણ ડરની સાથે એની અંદર ગુસ્સો પણ હતો જ. એ ઉપર ઊંચે ગઈ. ઉપર ઊંચી ગયા પછી એણે કહ્યું: મને હેરાન કરી છેને? હવે તું જો હું પણ તને મજા ચખાડું છું. ભમરી ઊડીને એના દર પાસે ગઇ. ત્યાં એણે બધી ભમરીઓને ભેગી કરી અને ભેગી કરીને બધી જ વાત જણાવી. બધી વાત જાણીને બીજી ભમરીઓએ પણ કહ્યું કે ચાલ, આપણે શૌન અને એના મિત્રોને મજા ચખાડીએ. બધી ભમરી ઊડીને શૌન અને એના મિત્રો ઊભા હતા ત્યાં ગયા. સાવ શાંત વાતાવરણ હતું પણ ત્યાં થોડી જ વાતમાં ઝુઝુઝુઝુઝુનો અવાજ આવ્યો. શૌન ચારેકોર જોવા માંડયો. બધે જોતાં એને ખબર પડી કે ઊંચે આકાશમાં જમણી તરફથી એક મોટો કાળા કલરનો ગોળો એની તરફ આવી રહ્યો છે. 

શૌનને લાગી બીક. એ કાળા કલરનો ગોળો એની નજીક આવી રહ્યો હતો. હવે તો માત્ર શૌન જ નહીં એના મિત્રોએ પણ એ ગોળાને જોઈ લીધો હતો. બધાં આમતેમ દોડાદોડી કરવા માંડયાં. ભમરીનો ગોળો શૌન અને એના મિત્રોને દોડાવતો જતો અને હવામાં જ અલગ અલગ આકાર બનાવતો જતો હતો. શૌનને ખબર પડી ગઇ કે એ ભમરીઓનું ઝુંડ હતું જે એની પાછળ પડયું હતું, કારણ કે ઘડીકમાં ગોળાનો આકાર તો ઘડીક બંદૂકનો આકાર, થોડી વાર બોમ્બનો આકાર તો વળી હથકડીનો આકાર, ઘડીકમાં કેકનો આકાર તો થોડી વારમાં ફુગ્ગાનો આકાર, એમ અલગ અલગ આકાર બનાવતું ભમરીનું ઝુંડ આમથી તેમ હવામાં ફરી રહ્યું હતું. આ ઝુંડ શૌન અને એના મિત્રોને બરાબર પજવી રહ્યું હતું. 

શૌન અને એના મિત્રોને ભમરીથી ડરતા જોઇને અને આમથી તેમ ભાગતા જોઇને હવે હસવાનો વારો ભમરીઓનો હતો. એ તો બધી જ હવામાં કરતબ બતાવી રહી હતી. શૌનની સાથે રહેતાં કૂતરાને આ જોવાની ખૂબ મજા આવી રહી હતી. તે એક જગ્યાએ શાંતિથી બેસીને આ જોઇને હસી રહ્યું હતું. 

થોડી વાર આમ ચાલ્યા બાદ કૂતરાને યાદ આવ્યું કે આ શીપ આમથી તેમ દોડી રહ્યાં છે તો દોડીને આખા ગાર્ડેનને વેરવિખેર કરી નાખશે. થોડી વારમાં એમના માલિક આવી જશે તો એ ગાર્ડનની હાલત જોઇને બધાને ખીજાશે. એણે શૌનને બૂમ પાડીને કહ્યુંઃ શૌન, માફી માગી લે નહીં તો ભમરી કરડી જશે. શૌનને ડોગની વાત સાચી લાગી. એ હવે ડરતાં ડરતાં પણ એક જગ્યાએ ઊભો રહ્યો અને ત્યાં ઊભા રહીને એણે સોરી સોરી સોરી કહેવાની શરૂઆત કરી. ભમરીનું ઝુંડ નજીક આવ્યું ત્યાં સુધી એણે સોરી કહેવાનું ચાલુ રાખ્યું. શૌનને આટલું સોરી બોલતો જોઈને ભમરીઓને દયા આવી, કારણ કે બધી જ ભમરીઓએ શૌન અને એના મિત્રોએ એક કલાક સુધી દોડાવીને સરખો સબક શીખડાવી દીધો હતો. બધી જ ભમરીઓ ત્યાંથી ઊડીને જતી રહી અને શૌનને ખબર પડી ગઇ કે એમ કોઇને હેરાન ન કરવા જોઇએ.

Post a Comment

0Comments

Post a Comment (0)