ટૂંકી બોધકથા - Motivational Story In Gujarati
કાનન નામનું બહું મોટું જંગલ હતું. જંગલમાં બધાં પ્રાણીઓની જેમ વાઘ તેના પરિવાર સાથે રહેતો હતો. વાઘને ત્રણ બચ્ચાં હતાં. તેમાંથી એક બચ્ચું બહુ તોફાની હતું. તે જંગલમાં રહેતાં અન્ય બચ્ચાંને હેરાન કરતું હતું. જેમ કે, સસલાનાં બચ્ચાં રમતાં હોય તો એ તેને મારીને જતું રહેતું. હરણના બચ્ચાંની પૂંછડી ખેંચી આવતું. આમ કંઇ ને કંઈ કરતું રહેતું. પરિણામે સસલાંનાં, હરણનાં, હાથર્થીનાં વગેરેનાં બચ્ચાં તેમની મમ્મીને જઈને વાઘના બચ્ચાંની ફરિયાદ કરતાં હતાં.
શરૂઆતમાં એ બધા એવું વિચારતા કે, અમુક બચ્ચાં તોફાની હોય છે, થોડાં મોટાં થાય એટલે આપોઆપ શાંત થઇ જતાં હોય છે. એમ વાઘનું બચ્ચું પણ શાંત થઇ જશે, પરંતુ જેમ જેમ દિવસો જતાં - હતાં તેમ તેમ વાઘના બચ્ચાનાં તોફાન વધતાં જતાં હતાં. એક દિવસ કંટાળીને બધાએ વાઘને જઈને ફરિયાદ કરી. વાઘને તો ખબર જ નહોતી કે તેનું એક બચ્ચું આટલાં તોફાન કરે છે. તેમણે પોતાના બચ્ચાને પ્રેમથી સમજાવ્યું પણ એને કોઇ અસર ન થઇ.
હવે સ્થિતિ એવી સર્જાઈ કે બચ્ચાંઓએ કંટાળીને રમવાનું બંધ કરી દીધું. એક વાઘના બચ્ચાને કારણે અન્ય બચ્ચાંઓ ઘરમાં ભરાઈ રહે એ કેમ ચાલે? આવી સ્થિતિમાં કોઇ એક્શન લેવા જોઈએ એવું બચ્ચાંની મમ્મીઓએ નક્કી કર્યું. હવે શું કરવું એ માટે બધા ભેગા થયાં.
મમ્મીઓની ચર્ચા ચાલી રહી હતી ત્યારે એ જ ઝાડ ઉપર બેઠેલાં વાંદરાભાઈ સાંભળી રહ્યાં હતાં. તેમણે નીચે ઊતરીને વાઘના બચ્ચાંને પાઠ ભણાવવાનું સામેથી કહ્યું. હવે વાંદરાભાઇએ તોફાની વાઘના બચ્ચાંનો પીછો કરવાનું શરૂ કર્યું. એ જ્યાં જાય ત્યાં વાંદરાભાઈ પહોંચી જાય અને પાછળથી તેને ટપલી મારે, ક્યારેક પૂંછડી ખેંચે, ક્યારેક તેનો રસ્તો રોકે. વાઘનું બચ્ચું રમતું હોય તો વચમાં આવીને રમવામાં ભંગ પાડે. આમ, તોફાની વાઘનું બચ્ચું જે રીતે બીજાં બચ્ચાંને હેરાન કરતું હતું એ રીતે એણે હેરાન કરવાનું શરૂ કર્યું. વાંદરાભાઇ તેને હેરાન કરીને ઝાડ ઉપર ચડી જાય એટલે વાઘનું બચ્ચું કંઈ કરી પણ ન શકે. વાંદરાભાઈના આ વર્તનથી વાઘનું બચ્ચું અકળાઇ ગયું.
એક દિવસ સામેથી વાંદરાભાઈને કહ્યું કે, તમે મર્ને આ રીતે હેરાન શા માટે કરો છો? વાંદરાભાઇએ પ્રેમથી કહ્યું કે, પહેલાં મને કહે કે તું બીજાનાં બચ્ચાંને શા માટે પરેશાન કરે છે? વાઘના બચ્ચાંએ કહ્યું કે, મને મજા આવતી હતી. વાંદરાભાઈએ કહ્યું કે, મને પણ તને હેરાન કરવાની મજા આવે છે. વાઘનાં બચ્ચાંને પોતાની ભૂલ સમજાઈ. તેણે કહ્યું કે, હવે હું કોઈનાં બચ્ચાંને હેરાન નહીં કરું. તેમની માફી માંગી લઈશ, પછી તો તમે મને હેરાન કરવાનું બંધ કરી દેશોને? વાંદરાભાઈએ કહ્યું, હા. પણ હું તારા ઉપર નજર રાખીશ, જો તું ફરી હેરાન કરવાનું શરૂ કરીશ તો હું તને નહીં છોડું. વાઘનું બચ્ચું સસલાં હરણ, હાથી એમ દરેકના બચ્ચોં પાસે ગયું અને માફી માંગી.