ખિસકોલી અને ઉંદર - બોધ વાર્તા ગુજરાતી
એક ગામ હતું. તે ગામમાં એક ઘરના બાજુમાં એક જામફળ નું ઝાડ હતું. તે ઝાડ પર એક ખિસકોલી અને ઉંદર રહેતા હતા. ખિસકોલી નું નામ ઝિલમિલ અને ઉંદર નું નામ રોકી હતું.
ઝિલમિલ રોજ-રોજ તાજાં જામફળ ખાય ને મજા કરે! ચિક ચિક ગાય ને આમથી તેમ દોડાદોડ કરતી રહે! તેની સરસ પૂંછડી ડોલાવતી રહે અને ક્યારેક ડાન્સ પણ કરી લે!
રોકી ખોરાકની શોધમાં દરની બહાર આવે. ક્યારેક તાજી હવા ખાવા પણ બહાર આવે. ક્યારેક ક્યારેક ઝિલમિલ અને રોકી સામસામે મળે અને એકબીજાંને ‘હલ્લો- હાય' કરી લે. એમ કરતાં બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ.
એક દિવસ ઝિલમિલ ઝાડ પર બેઠી બેઠી જામફળ ખાઇ રહી હતી ને રોકી ઝાડ નીચે બેસી તેની સાથે વાતો કરતો હતો. વાતવાતમાં રોકીએ પૂછ્યું- ' ઝિલમિલ, આ તું રોજ- રોજ શું ખાય છે?’ ‘જામફળ છે! મસ્ત, મીઠાં જામફળ!’ ઝિલમિલે કહ્યું.
‘જામફળ તો મને પણ ભાવે!' રોકી બોલ્યો. ‘તો લે ને, આ રહ્યાં ઘણાં જામફળ... ખા તું પણ!' એમ કહીને ઝિલમિલે જામફળ તોડી નીચે ફેંક્યું. રોકીએ પણ જામફળ ખાધું. તેને બહુ મજા આવી ગઈ.
આ રીતે પછી તો રોજ રોજ ઝિલમિલ રોકીને જામફળ ખવડાવે. ડાળ પર ઝિલમિલ અને જમીન પર રોકી! બંને જામફળ ખાતાં જાય અને અલકમલકની વાતો કરતાં જાય. બંનેની દોસ્તી પણ આ રીતે વધારે મજબૂત બની ગઈ. એક દિવસ વાતવાતમાં ઝિલમિલનું ધ્યાન ન રહ્યું ને તેનાથી રોકીને સડેલું જામફળ અપાઇ ગયું. જામફળ હાથમાં લઈ, સ્હેજ ખાતાં જ થૂંકી નાખ્યું અને ગુસ્સાભેર ઝિલમિલ ને કહ્યું- ‘આવું જામફળ તે કદી ખવાય? આવું જામફળ તેં મને આપ્યું? તને શરમ ન આવી? સડેલું જામફળ આપી દેવાય આમ? અક્કલ છે કે નહીં તને?'
રોકીએ ગુસ્સામાં ઘણું બધું બોલી નાખ્યું. ઝિલમિલે કંઈ જવાબ ન આપ્યો. રોકી નારાજ થઈને ચાલ્યો ગયો. ઝિલમિલ ને દુઃખ થયું. પોતે જાણી જોઇને રોકીને સડેલું જામફળ નહોતું આપ્યું છતાં રોકીએ ખૂબ ગુસ્સો કર્યો. તેથી ઝિલમિલની આંખે આંસુ આવી ગયાં.
બે દિવસ નીકળી ગયા. રોકી દરની બહાર ન આવ્યો. ઝિલમિલ રાહ જોઈને આખર ત્રીજા દિવસે સામેથી રોકીને પાસે ગઈ.
રોકી ચૂપચાપ દરમાં બેઠો હતો. ઝિલમિલે તેની પાસે જઈને કહ્યું- 'સૉરી, યાર! મેં તને સડેલું જામફળ આપ્યું એ બદલ મને માફ કરી દે! પણ ભૂલથી અપાઈ ગયું હતું. મેં જાણી-જોઈને આમ કર્યું નહોતું. સોરી..!’
રોકીએ ઝિલમિલ ની સામે જોયું. પછી કહ્યું- 'ના, યાર! વાંક તારો નથી! ખરો ગુનેગાર તો હું છું! આટલા સમયથી રોજ-રોજ, તું મને સરસ મજાનાં જામફળ ખવડાવે છે એ બદલ તારો આભાર ક્યારેય મેં ન માન્યો... પણ એક દિવસ ભૂલથી સડેલું જામફળ મળ્યું તો હું ગુસ્સામાં સાવ ભાન જ ભૂલી ગયો. આપણી દોસ્તી પણ ભૂલીને તને ન કહેવાનું કહી દીધું. માફી મારે માગવી જોઈએ. આઈ એમ સૉરી!'
ઝિલમિલ ની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું- 'છોડ યાર એ બધું! દોસ્તીમાં એવું તો ચાલ્યા કરે! ચાલ, તને ભૂખ લાગી છેને? બે દિવસથી અંદર જ હતો!' 'હમમ...' રોકીએ કહ્યું- 'તેં પણ ખાધું નહીં જ હોય!'
ઝિલમિલે કહ્યું- 'હા, ચાલ! તાજાં જામફળ ખાઇએ ને એ બધું ભૂલીને આપણી દોસ્તી જ યાદ રાખીએ!’ 'હા, ચાલ!' રોકીએ કહ્યું. ઝિલમિલ અને રોકીએ NJ ધરાઈને જામફળ ખાધાં અને ફરીથી બંને ખુશ થઈ ગયાં!.
આ વાર્તા પરથી બોધ મળે છે કે, સ્થિતિ જાણ્યા વગર પરિણામના અંતમાં પહોચવું જોઈએ નહિ.