Short Moral Story In Gujarati

Admin
0


https://www.gujaratipedia.com/2024/04/short-motivational-story-in-gujarati.html


એક હતો કાગડો. એ ખૂબ મળતાવડો. 

એના મનમાં બધાની બહુ માયા. એને ચકલા, પોપટ, કબુતર બધા સાથે વાતો કરવાની ખૂબ ઈચ્છા થાય. પણ આ કાગડાને કોઈ એની મંડળીમાં આવવા દે નહીં. ગામમાં પણ લોકોના ઘરની અંદર બહાર આ બધા પક્ષી આવ-જા કરે. 

પણ કાગડાને તો બધા ઉડાડી મૂકે એટલે કાગડો ખૂબ દુ:ખી થાય. બધા કાગડાની આજ ફરિયાદ કે કોઈ અમને દાણા નથી આપતું. તેની બારીએ કે ટોડલે બેસવા નથી દેતા.

પહેલા તો ગામડા ગામમાં કા.કા કરીએ તો મહેમાન આવશે એમ જાણી લોકો રાજી થાતા. ને આપણને ઘડી બે ઘડી બેસવા દેતા, પણ હવે તો આ મોટા શહેરોમાં મહેમાન આવે તો રોજિંદુ જીવન ખોરવાય એટલે કાં...કાં તો શું કરીએ? 

બેસતા પહેલા જ ભગાડી મૂકે છે. તે ખાલી કોઈ ધર્મ પ્રેમી પરિવાર હોય તો શ્રાદ્ધમાં શોધે બાકી આખું વર્ષ તો ભાવ પણ ક્યાં પૂછે છે?

કાગડાઓએ એક સભાનું આયોજન કર્યુ. બધા કાગડાઓની સભા મળી. પહેલા માયાળુ કાગડાએ પણ પોતાની વ્યથા કીધી. તેમા કબૂતર, પોપટ, ચકલા બધાને સલાહ લેવા માટે બોલાવ્યા કે, 'શું કરીએ તો લોકો આપણને એમના ઘરના આંગણે આવવા દે અને ઉડાડી ન મૂકે?”

સભાની શરૂઆત થઈ માયાળું કાગડાએ મીટીંગમાં માઈક સંભાળતા કહ્યું, 'આપ સૌ પક્ષીઓનું અમારી સભામાં સ્વાગત છે. આજે તમને અમે અમારી સમસ્યાનું સમાધાન કરવા બોલાવ્યા છે. તો તમે અમારી સહાય કરશો ને?”

ચકલી, પોપટ, કાગડા, કબૂતર સૌ એક સાથે બોલ્યા, 'હા... હા બોલોને શું સમસ્યા છે?’

કાગડોઃ “તો સૌ પ્રથમ પોપટભાઈ તમે કહો તમને કેમ બધા એના આંગણે આવવા દે છે? અને અમને નહીં?” 

પોપટઃ જો એ તો હું છે ને મીઠું મીઠું બોલું એ સૌને ગમે. અને તમારો તો અવાજ જ કર્કશ લોકોનું માથું દુખે તો કેમ આવવા દે તમને?”

કાગડો : 'હા એ વાત તો બરાબર. પણ ચકલીબેન તમે કહો તમે કેમ ગમો છો બધાને?” 

ચકલી : 'જો કાગડાભાઈ કેમ કે મારા ઝીણાં અને સુંદર ચીં...ચીં અવાજથી લોકોની સવાર સંગીતમય બની જાય એટલે અમને એ બોલાવે.' 

કાગડોઃ ‘કબૂતરભાઈ તમને બધા કેમ દાણા નાખે छे?' 

કબૂતર : 'જો, કેમ કે અમને જે પણ દાણા નાખે અમે ખાઈ લઈએ બીજી કોઈ ધમાલ કે ગંદકી ન કરીએ, અને તમે તો જે તે બધું ખાવ અને પછી ગંદકીને બીમારી ફેલાવો એટલે.' 

કાગડોઃ 'હા એ વાત તો સાચી હો. તમારી બધી વાત સાચી પણ હવે એમ કહો કે અમે શું કરીએ તો લોકો અમને તમારી જેમ એના આંગણે બેસવા દે? બોલોને કાબરબેન.”

ત્યાં કાબરની નજર કાગડાના એક નાનકડા બચ્ચા પર પડી તે પોતાની આસપાસથી બધો કચરો દૂર કરતું હતું અને પછી ચોખ્ખું કરી ત્યાં બેસતું હતું. અરે કાગડાભાઈ તમારી પાસે તો આ સુંદર આવડત છે. જો આ નાનકડા બચ્ચાએ ઘડીવારમાં પોતાની ચાંચથી આસપાસનો બધો કચરો સાફ કરી દીધો. તો એ આવડતનો જ ઉપયોગ કરો અને લોકોને ઉપયોગી બનો તો એ તમને પણ બેસવા દેશે.’ 

કાગડાભાઈને વાત સમજાઈ ગઈ. બીજા દિવસથી કાગડાઓ પણ બધા બીજા પક્ષીઓ સાથે ગામમાં ઊડવા લાગ્યા. જેની બારીના છાપરે બેસે તેને એકદમ ચોખ્ખું ને ચટ કરી દે. આમ બે ત્રણ દિવસમાં તો બધાને ખબર પડી ગઈ કે, કાગડા તો આપણા ઘરના છાપરા પર બેસીને એકદમ સાફસૂથરું કરી દે છે. 

લોકો કાગડાને હવે ઉડાડતા બંધ થયા અને એને પણ દાણા આપવા લાગ્યા. કાગડાઓ તો ખુશ થયા. અને એ બધા પછી ‘સફાઈ કામદાર' તરીકે આખા ગામમાં ઓળખાવા લાગ્યા. બધા પક્ષીઓની સાથે હળીમળીને રહેવા લાગ્યા અને આખા ગામને સુંદર અને ચોખ્ખું બનાવવામાં મદદરૂપ થવા લાગ્યા.


“કાં...કાં કરતો આવું હું, 

ઉપયોગી પણ થાઉ હું. 

આસપાસ મારી બધે, 

સ્વચ્છતા ફેલાવું હું.”

Post a Comment

0Comments

Post a Comment (0)